પરાવર્તન

 

ધી ડાર્ક નાઈટ ફિલ્મમાં જોકર નામક ખલનાયકનું પાત્ર ખૂબ જ પ્રસંસનીય થયું હતું. જોકરની વિચારધારા અસામાન્ય અને સાધારણ માનવીના મૂલ્યો પર પ્રશ્ન ઊભો કરે એવી હતી. આ ફિલ્મે તેના ખલનાયકના કારણે વૈશ્વિક સ્તરે ખૂબ જ નામના મેળવી હતી. પાત્ર દર્શકોને ખુબ પસંદ આવ્યું હતું. નિર્દેશકોએ નકારમતાક પાત્ર આકર્ષક લાગે એવું દેખાડવાની શરૂઆત કદાચ અહીંથી કરી હશે.

 

છેલ્લા ઘણા સમયથી વેબ સીરિઝ અને ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર પાત્રને પ્રેક્ષકો વધુ સ્વીકારે છે. વિલનનું દરેક કૃત્ય સહજતાથી દર્શકો આવકારે છે. આ દ્રષ્ટિકોણના સારા-નરસા પરિણામો છે. મનોરંજનમાંથી નવી નવી ગાળો શીખવા મળી છે. કોઈ વ્યક્તિને કેવી રીતે ઉતારી પાડવી, મામલો ગરમ થાય તો તેની સાથે મારઝૂડ કરી કેવી રીતે રુઆબદાર દેખાવું, વગર રોજગારે જલ્સા પાર્ટી કરવા વગેરે બાબતો પ્રેક્ષકો સ્વીકારી રહ્યા છે અને જીવનમાં લાગુ પાડવા પ્રયન્ત કરી રહ્યા છે. મનોરંજનના આ પ્રકારો સામાજિક મૂલ્યો નીચે લઈ આવ્યા છે, અન્યની પ્રત્યે અસંવેદનશીલ બનાવ્યા છે. કારણ હવે દરેક ભાત-પ્રાંતના લોકો પર ફિલ્મો-વેબ સિરીઝ બનવા લાગી છે. નવીનતા પીરસવામાં આવે છે. આ નવીનતામાં એક બાબત બધી વેબ સિરીઝમાં સામાન્ય છે:”GLORIFY THE VILLAIN” મતલબ ખલનાયકને પૂજનીય દેખાડવો. લગભગ મોટા ભાગની બધી વેબ સિરીઝમાં આ બાબત સર્વસામાન્ય છે. વિલન જે કઈ કાર્ય કરે તે યોગ્ય-અયોગ્ય નક્કી કરે એના પહેલા પશ્ચાદભૂમીમાં વાગતું સંગીત એની સચોટ છાપ દર્શકના મસ્તિષ્કમાં ઊભી કરી દે છે.

 

જેમ ઘેટાં-બકરા એકની પાછળ એક ચાલ્યા જાય છે, એ જ રીતે પ્રેક્ષકો આવી વિષયસામગ્રી પોતાના મગજમાં ઠૂંસી રહ્યા છે. મિત્રએ પ્રસંશા કરી એટલે મારે પણ એ શો જોવો જોઈએ અને એ વેબ સીરિઝ ગમાડવી જોઈએ તો જ અમારા બંનેના વિચારો એક કહેવાશે. તદ્દન ટીકટોક અને ઇન્સ્ટા રિલ્સ જેમ. ૧૫-૨૦ સેકન્ડનો ટીકટોક વિડીયો તમારા મગજમાં ચોક્કસ કોઈ છાપ ઊભી કરે એ પહેલા બીજો વિડીયો સ્ક્રીન પર આવી જાય છે. આ જે ૨૦ સેકન્ડ રહી એમાં પ્રેક્ષક એક લાગણી(emotion)માંથી પસાર થાય છે. ટીકટોક કે રિલ્સમાં કોઈ ફિલ્ટર નથી આવતું કે ચોક્કસ પ્રકારના વિડીયો જ તમને દેખાડે. દાખલા તરીકે, ફક્ત હસવાના વિડીયો, મિત્રતા, પ્રેમ, દોસ્તી, રાષ્ટ્રવાદ, શેર-શાયરી. બધા વિડીયોનું કોઈ ચોક્કસ મેટ્રિક્સ નથી હોતું. બધુ મિક્સ આવતું હોય છે.

 

જો સતત આવા વિડિયોઝ જોવામાં આવે તો સ્કીઝોફ્રેનિયા નામનો મનોરોગ થઈ શકે છે. વ્યક્તિ કાર્યમાં મન પરોવી શકતો નથી, તેની વાતોમાં શબ્દોની ગોઠવણ લથડાઈ શકે છે, અસંગત વિચારશૈલીથી કાર્યમાં મુશ્કેલી ઊભી થતી હોય છે. સ્કીઝોફ્રેનિયાના આ સામાન્ય લક્ષણો છે. આવા વિડિયોનો બીજો ગેરફાયદો એ છે કે તે તમારા મસ્તિષ્કમાં અયોગ્ય છાપ ઊભી કરે છે. વસ્તુ જેવી વિડીયોમાં હોય એના કરતાં અલગ અને હકીકત કરતાં જુદી હોય શકે છે.

 

ઉદાહરણ તરીકે, એક વિડિયોમાં એક ભાઈ તેના મિત્રને કહે છે:”ભાઈ ફલાણા કંપનીનો નવો ફોન લોન્ચ થયો છે, જેમાં ઢીંકણા ટાઈપના ફીચર્સ છે. એક ફીચર એવું છે કે ફોનમાંથી કેમેરો કાઢી તમે ડ્રોનની જેમ ફેરવી શકો.” બીજો તેનો મિત્ર જવાબ આપે છે:”ભાઈ તો પછી તો બાજુ વાળા ભાભીના બાથરૂમ સુધી કેમેરો પહોંચશેને?”

 

આ સંવાદ પર કેવો પ્રતિસાદ આપવો જોઈએ એ નિર્ણય કરું એ પહેલા પશ્ચાદભૂમીમાં હાહાહાહા! સંગીત વાગવા લાગ્યું. આવી મજાક પ શું ખરેખરમાં હસવા જેવુ હતું? પહેલા તો પ્રશ્ન એ થયો કે શું આને ખરેખરમાં મજાક કહેવાય? વિડીયો જોયાને એક અઠવાડિયું થયું હજુ પણ મને હસવા જેવુ કઈ નથી લાગ્યું, ઉપરથી ચીડ ચઢી. ઘૃણાસ્પદ લાગ્યું કે આ ભાઈની વિચારસરણી કેટલી ટૂંકી અને છીછરી છે. એ વિડીયોની લાઈક જોઈ તો એક સેકન્ડ મને અચંબો થયો. કે ૧૭,૦૦૦ લોકોએ આ વિડિયોને લાઈક આપી છે. કોમેંટમાં એક-બે પરિપક્વ લોકો હતા, જેમણે આવી હલકી વાતની નિંદા કરી હતી પણ બાકીની બધી ૩૦૦ કોમેંટમાં લોકોએ વિડિયોની પ્રસંશા કરી હતી.

 

તો શું એમ કહી શકાય કે એ ૧૭,૦૦૦ લોકો ખરાબ હશે? તેમની ખોપડીમાં ભેજું નહીં ભજિયું હશે? ના. હું સંપૂર્ણ રીતે એવું નથી માનતો. કારણ જે રોજબરોજ આવા વિડીયો જોવે છે, એમના માટે આવી મજાક સહજ છે. રોજ તેમણે દરેક ઉંમરની સ્ત્રીઓને તેમના મોબાઇલની સ્ક્રિનમાં નાચતા જોવે છે. ટીકટોકમાં ઉંમરની કોઈ સીમા નથી. ૮માં ધોરણમાં ભણતી કન્યાથી લઈને એ જ કન્યાની મમ્મીની ઉંમરની પરણિત સ્ત્રીઓ પોતાના હુસ્નનો જલવો બતાવવા ઈરાદાપૂર્વક પોતાના અંગ-ઉપાંગ પર ચુસ્ત પ્રકારના કપડાં પહેરી અથવા કપડાં ફોલ્ડ કરી ઠુમકા લગાવતી હોય છે. મોટાભાગે નાચગાનના વિડીયો આ સ્ત્રીઓ પોતાના બાથરૂમમાં બનાવતી હોય છે. તો ભાઈ એવા સંદર્ભમાં કહ્યું હશે? તેણે જે વાત કહી એમાં શું તે ખોટો હતો? પોતાની નજરમાં કદાચ તે પોતાને ખોટો નહીં લાગ્યો હોય પણ હા વ્યવ્હારિક રીતે તે ખોટો હતો. કોઈ સ્ત્રી અને તેના સ્નાનાગાર વિષે એવી ટિપ્પણી કરવી અવિવેકી છે.

 

વિડીયો બનાવનાર અને જોનાર બંને બેલેન્સ જાળવી રહ્યા છે. તમે વલ્ગર વિડીયો બનાવો અમે એને નિહાળીશું. ને પ્રેક્ષકો નિહાળે છે માટે જ ટીકટોક સ્ટાર્સ આવા વિડીયો બનાવા પ્રેરિત થાય છે. ફિલ્મ-વેબ સીરિઝનું પણ આવું છે. તમે જે કન્ટેન્ટ સ્વીકારશો એવું જ કન્ટેન્ટ તમને જોવા મળશે.

 

કેટલીક વેબ સીરિઝ અને ફિલ્મો વિષે વાત કરીશ, જેમાં નકારાત્મક પાત્રને હીરો જેમ દેખાડવામાં આવ્યા છે.

 

હાઉસ ઓફ કાર્ડ્સ:અમેરિકાની રાજનીતિ પર બનેલી આ વેબ સીરિઝ ખૂબ જ મગજવાળી અને ડાર્ક છે, છતાં તેમાં વાસ્તવિકતા દેખાઈ આવે છે. અમેરીકામાં ડેમોક્રેટિક પાર્ટી એટલે કે કોંગ્રેસનું શાસન હોય છે. પાર્ટીનો એક સભ્ય ફ્રાંસિસ અંડરવુડ પોતાના કરિયરને આગળ ધપાવવા કાળા ધોળા કામો કરી પોતાના મનસૂબા પાર પાડે છે. દરમિયાન વચ્ચે આવતા તમામ અવરોધોને કોઈપણ રીતે દૂર કરે છે. તેણે ઘડેલા ઉદ્દેશ્ય વચ્ચે જો કોઈ મનુષ્ય આવે તો તેને દૂર કરવામાં જરાય વિચારતો નથી. પોતાના દેશ, પત્ની અને સૌ પરિચિતો સાથે છળ કરવું તેની ખાસિયત છે. આ ખાસિયતને પાત્રના ચાર્મ તરીકે દેખાડવામાં આવે છે. પોતાનાથી ૩૦ વર્ષ નાની સ્ત્રી સાથે ગેરસંબંધ બાંધવો તે તેની કારકિર્દી માટે જરૂરી સમજે છે. માનવામાં ન આવે એવી વાત એ છે કે તેની પત્ની પણ આ બાબતમાં તેનો સાથ આપે છે. પોતાના સગા બાપની કબર ઉપર પેસાબ કરનાર આ નાયક આગળ જતાં તેની પત્ની દ્વારા તેની સગી સાસુને મારી નાખે છે. છતાં, તેના પેટનું પાણી પણ હલતું નથી. ઉપરાંત તેની પત્ની એ રાત બીજા પુરુષ સાથે ગાળે છે. શો માં પ્રામાણિક નેતા પણ બતાવ્યા છે. જે ફ્રાંસિસ સામે હારી જાય છે અને  ફ્રાંસિસ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશનો પ્રેઝીડન્ટ બને છે. પશ્ચાદભૂમીમાં વાગતા ઉર્જાસભર સંગીતથી આપણને એમ લાગે કે વાહ... શું મહાન કામ કર્યું! કદાચ, આને જ રાજનીતિ કહેવાતી હશે.

 

વાઈકિંગ્સ:૧૬મી સદીના આર્યોની આ વાત છે. અન્ય દેશ લૂંટી ત્યાંના નિર્દોષ લોકોને ક્રૂરતાથી મારનાર કથાનો નાયક રેગનાર લોથ્બ્રોક બે સંતાનનો બાપ હોય છે. તે એના કબિલાનો સરદાર હોય છે. તેને પ્રેમ આપનાર પત્ની હોવા છતાં તેને મોકો મળે ત્યાં તે રાજકીય વ્યવહારની આડશે બીજા લગ્ન કરે છે. તેના બીજા લગ્નથી એક સંતાન થાય છે. જે કદરૂપું નીકળે છે, એને નદીમાં તે વહેતુ કરી દે છે.

 

બોજેક હોર્સમેન:પ્રથમ નજરે બાળકો જોવે એવું કાર્ટૂન લાગતો આ શો ખરેખર બાળકો માટે નથી. અડલ્ટ પ્રકારનું આ કાર્ટૂન રમૂજી અને જીવનની કડવી વાસ્તવિકથી ભર્યું છે. ૯૦ના દાયકામાં એક હિટ ટી.વી. સિરિયલથી ખૂબ જ પ્રસિદ્ધિ અને પૈસા કમાનાર હીરો બોજેક નામનો એક ઘોડો છે. જે તેની ચાલીસી વટાવી ગયો છે, તે બેચેન રહ્યા કરે છે. પોતાની આસપાસના લોકોને દુખ પહોંચાડવું તેનો અજાણ્યો શોખ બની ગયો હોય છે. નસીબ તેને જે કઈ સારું આપે તે એને બદતર બનાવમાં કોઈ કસર નથી રાખતો. કથાના દરેક પાત્રો રોજિંદા જીવનમાં અનુભવતી સમસ્યાને દાર્શનિક અભિગમ દ્વારા રજૂ કરી સુંદર દ્રષ્ટાંત પૂરું પાડે છે. અહી જેટલા શો અને ફિલ્મો હું જણાવી રહ્યો છું એમાંથી આ શો જરૂર એકવાર સૌએ જોવો જોઈએ.

 

ટુ એન્ડ અ હાલ્ફ મેન:હાસ્ય અને રોમાંસથી ભરપૂર આ શો ઘણા બધા અમેરીકન પ્રેક્ષકોને પસંદ પડ્યો હતો. ચાર્લી હાર્પર એક અમીર ગીતકાર છે. જે ટીવીમાં આવતી જાહેરાતો માટે ગીત લખે છે. ચાર્લી તેના જીવનમાં આવતી બધી કન્યાને ફેરવતો હોય છે અને તેમની સાથે સુખ માણી તેમને તરછોડતો હોય છે. તેના વર્તનને પ્રેક્ષકો સહજ રીતે સ્વીકારે એમ દર્શાવામાં આવ્યું છે. આ પાત્ર ભજવનાર અભિનેતા ચાર્લી શીનની જીવનશૈલી વાસ્તવિક જીવનમાં પણ આવા પ્રકારની હોય છે. તેને બાદમાં એઇડ્સ નામનો રોગ થાય છે.

 

મિર્ઝાપુર:દક્ષિણ એશિયામાં સૌથી વધારે વ્યુઝ મેળવનાર કોઈ ઇંડિયન વેબ સીરિઝ હોય તો તે છે મિર્ઝાપુર. આખી વેબ સિરીઝમાં એક પણ પાત્ર સકારાત્મક નથી. બધા પાત્ર પોત-પોતાની ક્ષમતા મુજબ નિંચતા પ્રગટાવે છે. અંડરવર્લ્ડ ક્રાઇમ પર બનેલી આ વેબ સિરીઝમાં દરેક અભિનેતા/ અભિનેત્રીએ સારો અભિનય કર્યો છે પણ વિનમ્રતા અને પ્રામાણિકતાની વાત કરીએ તો.. છોડો શું વાત કરવાની? મિર્ઝાપુરમાં એવી બધી વાત કરીએ તો હાસ્યસ્પદ બનવા જેવુ થાય. ગુડડું-બબલું સગા ભાઈઓ હોય છે. મિર્ઝાપુરના ડોન કાલીનભૈયા જબરજસ્તી બંનેને પોતાના અવૈધ ધંધામાં ભાગીદાર બનાવે છે. આ ધંધા પર આખી વેબ સીરિઝ બની છે. અશ્લીલ દ્રશ્ય અને કોઈપણ જગ્યા એ બિનજરૂરી અપશબ્દોનો ભારો આ શો માં છે. મા-દીકરા, પુત્રવધૂ-સસરાના અનૈતિક સંબંધોની આ સિરીઝ બિલો એવરેજ માઇન્ડના પ્રેક્ષકોને વધુ આકર્ષે છે. એમના એમ થોડી આપણી વસ્તી ૧૫૦ કરોડ પહોંચી છે?

 

સેક્રેડ ગેમ્સ:ધર્મ અને શ્રદ્ધાના નામે થતાં છળકપટની રમત પર ભાગ્યે જ અનુમાન લાગી શકે કે આના પર માફિયાનો હાથ રહ્યો હશે. આના પર બનેલી કથા એટલે સેક્રેડ ગેમ્સ. જોકે, ભાગ ૧ જોતાં એવું અનુમાન લગાવવું મુશ્કેલ છે. ભાગ ૧માં ગેંગ વોર અને સ્મગ્લિંગ માટે થતી ભયંકર હિંસા દર્શાવી છે. ગણેશ ગાયતોંડે નામનો એક ૧૨-૧૪ વર્ષનો બાળક પત્થરથી તેની માતાનું માથું ફોડી મારી નાખે છે. તેનો બાપ દીકરાનું જીવન બરબાદ ન થાય એ માટે પોતાના માથે આરોપ લઈ લે છે અને જેલ ભેગો થાય છે. આ તરફ ગણેશ મુંબઇનો સૌથી મોટો ડોન બને છે. પત્નીના ખૂનના બદલાની આગમાં હુલ્લડ કરનાર ગણેશ પોતે જ ધર્મની આ ગેમનો પ્યાદું બનેલો છે, તેની જાણ એને બહુ મોડા થાય છે.

 

તાંડવ:રાજનીતિ પર બનેલી આ ભારતીય વેબ સીરિઝ ધાર્મિક લાગણી દુભાવાના લીધે ચર્ચામાં રહી હતી. રાજનીતિના આ દંગલમાં સમરપ્રતાપ સિંહ તેના પિતા એટલે કે દેશના વડાપ્રધાનને મારી નાખે છે. સાંપ્રત સમયમાં સાંભળવા મળતા સમાચારને ધ્યાનમાં લઈ કથા રચવામાં આવી છે. કથાનું મુખ્ય પાત્ર સમરપ્રતાપ સિંહનું છે. જે એક ખલનાયકના રૂપમાં જોવા મળે છે.

 

આવી ઘણી વેબ સીરિઝ અને ફિલ્મો છે જેમાં ખલનાયક મુખ્ય પાત્ર ભજવે છે:નારકોસ, ધી ગોડફાધર, નો કન્ટ્રી ફોર ઓલ્ડમેન, ધી વુલ્ફ ઓફ ધી વોલ સ્ટ્રીટ, આશ્રમ, સ્કેમ ૧૯૯૨, છલાંગ, ગેંગ્સ ઓફ વાસેપુર ૧/૨, રમણ રાઘવ ૨.૦, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ-દોબારા, શૂટઆઉટ એટ લોખંડવાલા/વડાલા, ધૂમ ૧/૨/૩, હેપી ન્યુ યર, સ્પેશ્યલ છબ્બીસ, બદલાપુર, બેંગ બેંગ, રાજનીતિ વગેરે.

 

ઉત્તર પ્રદેશમાં એક યુવાને મિર્ઝાપુર નામની વેબ સીરિઝ જોઈ તે જેને પ્રેમ કરતો હતો એ કન્યાને મારી નાખી. કારણ એટલું જ કે તે કન્યા એને વળતો પ્રેમ ન હતી કરતી. પોલીસે જ્યારે તેની અટકાયત કરી ત્યારે તેણે કબૂલ્યું વેબ સિરીઝમાં જેમ બતાવ્યુ કે જો કોઈ સ્ત્રી તમને પ્રેમ ન કરે તો એને મારી નાખવી જોઈએ. બસ, આ જ માનસિકતા સાથે તેણે યુવતીનું ખૂન કર્યું હતું. જો એક પરિપક્વ પુરુષ આવું કરે તો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તરુણો પર આવી વેબ સીરિઝ અને ફિલ્મોની શું અસર થતી હશે?

 

બૉલીવુડ ફિલ્મો-વેબ સીરિઝએ પ્રેમની ખોટી પરિભાષા આપી છે. જેમાંની આ એક છે. તરુણાવસ્થામાં ઓછા કિશોર/કિશોરી ફિલ્મી પ્રેમ અને વાસ્તવિક પ્રેમ પારખી શકે છે. જરૂરી નથી તરુણાવસ્થા પછી માણસમાં સમજણ કેળવાઈ જાય. ઉપર ઉદાહરણ જોયું ઉત્તર પ્રદે વાળું એમ પણ બને. પરિપક્વતાની કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી એ તો આવે પણ અને ના પણ આવે. જેવા વ્યક્તિને તેના માં-બાપ પાસેથી ળેલા રંગસૂત્રો.

 

ફિલ્મોમાં પ્રેમી સંગ ભાગી જવું એ એક મહાન કાર્ય તરીકે દેખાડવામાં આવે છે. આ જ બાબતે તરુણો અને યુવાન/યુવતીઓને બીજાની લાગણીઓ પ્રત્યે અસંવેદનશીલ બનાવ્યા છે. ફિલ્મ રામલીલા માઈલ્ડ એવરેજ બૌધિક ક્ષમતા ધરાવતા દર્શકોને ખૂબ ગમી હતી. એ ફિલ્મ જેવી ટોક્ષિક મેંટાલિટી કોઈ ડિસ્ટર્બિંગ મુવીમાં પણ નહિ દેખાડી હોય છતાં, એવરેજ બુદ્ધિ ધરાવતા લોકોને આકર્ષે છે. પદમાવતી ફિલ્મના નિર્દેશકે આ ફિલ્મ બનાવી છે. એમ વિચાર આવે છે કે પદમવત કરતાં આ ફિલ્મનો વિરોધ લોકોએ કર્યો હોત તો કેટલું સારું થાત?

 

રામલીલા ફિલ્મમાં પહેલી નજરનો પ્રેમ બતાવ્યો છે. મૂછોવાળો રણવીર સિંહ એક જ મરદ ભાયડો હોય એવું આખું ગામ નાટક કરે છે. સાવ સી ગ્રેડ ક્વોલિટીની શાયરીઓ મારી રામ લીલાને પ્રેમમાં પાડે છે અને પોતે પણ થોડો ઘણો પડે છે. (મને વિશ્વાસ નથી આવતો શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબની ઉત્તમ રચનાને પસંદ કરનાર નિર્દેશકની શાયરીમાં બોગસ પસંદગી કેવી રીતે હોય શકે?) રામભાઇ ૧૦ જણને હવામાં ઉડાડીને મારે પણ પોતાની પત્નીની જવાબદારી સ્વીકારવાની વાત આવી તો હાથ ચીરી બેઠા. રામ ડોન બને છે માટે ઉજાણી કરવા કોઠા પર પ્રિયંકા ચોપરાનો મુજરો જોવા જતાં રહ્યા. રામના પ્રેમમાં ઘેલી બનેલી લીલા(દિપીકા બેન પાદુકોણ) એના ભાઈની લાશ પર ચાલીને ભાઈને મારનાર કાતિલ સાથે લગ્ન કરે છે. પછી કોક સસ્તા ગેસ્ટ હાઉસમાં બતાડે:અંગ લગા દે રે...

 

પોલીસ સ્ટેશનનું એક વિડીયો આવ્યું હતું. જેમાં એક બાપ તેની દીકરી અને એના પ્રેમીના પગ પાસે પોતાની પાઘડી મૂકી દે છે. છતાં, દીકરી તેના સગા બાપને ઓળખવાની ના પાડી દે છે, અવળી ફરી જાય છે. પોતાના પ્રેમને પામવા માટે આટલું નઠારું/અસંવેદનશીલ કોણ બને? ‘ને સમાજ કહે છે સ્ત્રીઓ ખૂબ જ સંવેદનશીલ હોય? આ છે સંવેદનશીલતા? પ્રેમ લગ્ન કરવા ભાગી જતાં યુવાન/યુવતીઓ આવી ફિલ્મોની તરંગી માનસિકતા સાથે જીવતા હોય છે. બાહ્ય સુંદરતા અને બાપના રૂપિયાથી કલર કરતો/કરતી/સ્ટાઈલ મારતો/મારતી યુવાન/યુવતી તરફ આકર્ષાય છે. આ આકર્ષણને તે પ્રેમ સમજી બેસે છે.

 

અમેરિકાના કલ્ચરમાં આ બાબતે ખૂબ જ સ્પષ્ટ સમજણ છે. તમને કોઈ વ્યક્તિ પસંદ હોય અને એ વ્યક્તિને તમે પસંદ હોવ તો તમે સંબંધમાં આવી શકો. એમાં તમારે સામેની વ્યક્તિને કહેવાની જરૂર નથી કે હું તને પ્રેમ કરું છું. કારણ એકબીજાને જોઈને જે થયું એ આકર્ષણ હતું, શરૂઆતની મુલાકાતમાં સામેના માણસનું વ્યક્તિત્વ પસંદ પડે એ વ્યક્તિવ જ તે માણસનું સંપૂર્ણ વ્યક્તિવ નથી. ને વ્યક્તિત્વ એક દિવસમાં કે બે,ત્રણ મુલાકાતમાં જાણી ના શકાય. એના માટે સમય આપવો પડે. આ જ બાબતને અમેરિકા વધુ ભાર આપે છે. વધુ સમય પસાર કર્યા બાદ પણ જો સ્નેહની લાગણી રહે તો માનો કે એ પ્રેમ છે પણ આપણાં ત્યાં પ્રથા જુદી છે. આપણાં ત્યાં લોકો આઈ લવ યુ પહેલા કહે છે અને પછી સંબંધમાં આવે છે.

 

હવેની પેઢીમાં ભૌતિક સુખ-સુવિધાનું વળગણ ખૂબ જ વધી રહ્યું છે. અંગ્રેજીમાં જેને કહેવાય છે 'materialistic stuff'. બ્હારના લોકો આપણી સંસ્કૃતિ અને આપણાં ઋષિ/મુનિઓ/પુરાણો પાસેથી સંસારનો મોહ છોડી મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ શોધી રહ્યા છે. તો બીજી તરફ આપણા લોકો પશ્ચિમની સંસ્કૃતિ સ્વીકારી તેમના જેવા થવાનો ડોળ કરી રહ્યા છે. સૌ કોઈ જાણે છે અમેરિકા, રશિયા, કેનેડા જેવા દેશોનું ચલણ ભારતીય ચલણ કરતાં ઘણું ઊંચું છે તો ત્યાંની વસ્તુઓ અને કલ્ચર અનુસરવા જઈશું તો જરૂર પાકીટ પર અસર પડવાની. જે લોકોને પરવડે છે, એમને કોઈ વાંધો છે નહીં પણ જેને નથી પરવડતું(જેમાં શમાવેશ થાય છે ૮૦% ભારતીયોનો) એ બિચારા મનોસંઘર્ષ અનુભવે છે. તેમણે મિત્રો અથવા ફિલ્મો વેબ સિરીઝના દેખાદેખી પર ઉતરી આવે છે અને ન કરવાનું કરી બેસે છે. મમ્મી-પપ્પા પૈસા નથી આપતા તો લાવ એમના પાકિટમાંથી ચોરીછૂપે લઈ લઉં અથવા તો કોઇની વસ્તુ વેચી પૈસા મેળવી લઉં.

 

દેખાદેખીમાં તરુણ કન્યાઓએ આવું બધુ નથી કરવું પડતું. આની જગ્યાએ તેમનો અભિગમ વિશિષ્ટ છે, જે તેમના ચારિત્ર્ય માટે કલંક બરાબર છે. ઘણી કન્યાઓ તેમની સાથે ભણતા છોકરાઓને ફોસલાવી આડકતરી રીતે પોતાની ચાહત રજૂ કરતી હોય છે. તરુણવયમાં નવા નવા પગ મૂકતાં ભોળા છોકરાઓ જેમની સાથે તેમની મા અને બહેન સિવાય બીજી કોઈ કન્યાએ આટલા વ્હાલથી વાત ન કરી હોય એ કન્યા પોતાના મનની મૂંઝવણ રજૂ કરે તો એમને લાગી આવે અને તે કન્યાને જોઈતી વસ્તુ લાવી આપતા હોય છે. આ અભિગમ મોટાભાગે કિશોરીઓને સાધારણ લાગતો હોય છે પણ તે પુરુષને ખોટો સંદેશ જઈ રહ્યો હોય છે. જેના પરિણામ જુદા-નકારાત્મક પ્રકારના આવી જતાં હોય છે.

 

ઘણા આગળ પડતાં બુદ્ધિજીવીઓ એવું માને છે કે ફિલ્મો-વેબ સીરિઝ મનોરંજન માટે છે. અમે તો મનોરંજન માટે જોઈએ છે. હીરો હિંસા કરે, સ્ત્રીઓનો ઉપયોગ કરે, નાયક કોઈની હત્યા કરે, રસ્તા વચ્ચે સ્ત્રીને લાફો ઝીંકી દે એવું જોવાની મજા આવે. અમે થોડી એવું કરવાના છીએ. મનોરંજનના હેતુથી જોવું ગમે. આ બુદ્ધિજીવીઓ એ બાબત ભૂલી રહ્યા છે કે બધાની પરિપક્વતા અને માનસિકતા સમાન નથી હોતી. દરેકના જીવનના મૂલ્યો અને સંસ્કારો અલગ હોય છે. હવે, તો તરુણોને ભણવા માટે અલગ ફોન અને ટેબલેટ મળી ગયા છે. જેમાં ઇન્ટરનેટની સુવિધા પણ મળી ગઈ છે. ઓનલાઈન ક્લાસીસમાં કેવી રીતે બંક મારવું એ આજના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીને શીખવવું પડે એમ નથી. ઇન્ટરનેટથી ફક્ત આવી વેબ સીરિઝ જ નથી જોતાં પણ ક્લાસીસ બંક કરી ચેટિંગ કરતાં હોય છે. ચેટિંગ કરવું ખોટું નથી પણ અયોગ્ય અને બીભત્સ વાતો કરવી ચિંતાજનક છે. થોડા સમય પહેલા આવું જ એક તરુણોની ચેટ લીક થઈ હતી. જે વાઇરલ થતાં ચકચાર મચી ગયો હતો.

 

ઇન્ટરનેટ, સંગીત,ફિલ્મો, સંગત વગેરે બધી જ બાબતોને દોષ આપવાથી જ કશું નથી થતું. મા-બાપની ફરજમાં આવે છે તેમના બાળકને અંકુશમાં રાખવું. વ્યાવહારિક રીતે જોઈએ તો મા-બાપ અંકુશ રાખવામાં નિષ્ફળ નીવડ્યા છે. કેવી રીતે બાળકનો ઉછેર કરવો એ જ મોટા ભાગની વાલીઓ નથી જાણતા હોતા. તો નિયંત્રણની વાત તો બહુ દૂર છે. આવા બાળકો આગળ જઈને ગુનાખોરીની પ્રવૃત્તિમાં જોડાય છે. આપણાં બધાની સામાજિક ફરજ બને છે નકારાત્મક પાત્રને ભવ્ય બતાવતી ફિલ્મો વેબ સિરીઝની ઉપેક્ષા સૌ કોઈ કરશે તો નિર્દેશકો એ બાબતને પ્રાધાન્ય આપવાનું છોડશે. જો એમ થાય તો અપરિપક્વ માણસો પર ખોટી છાપ ઊભી થતી ઓછી થશે અને અયોગ્ય પગલું ભરવાના વિકલ્પ ન મળે.

 

એક દર્શક તરીકે વેબ સીરિઝ ફિલ્મ બનાવતા નિર્દેશકોને અરજકરો કે સારી અને સાંસ્ક્રુતિક મૂલ્યોને દેખાડે તેવી ફિલ્મો બનાવો. બુદ્ધિના જ્ઞાનાત્મક પાસા વિકસાવે એવી વેબ સીરિઝનું નિર્માણ કરો. જેવી કે અસુર,ડાર્ક,લોસ્ટ ઇન સ્પેસ,લ્યુસી,ઈંટરસ્ટેલર વગેરે. આવી ફિલ્મો વધુ બને તો બાળકોનો રચનાત્મક વિકાસ થાય અને મોટી ઉંમરના લોકોમાં સમજણશક્તિ વિકસિત થાય. ચોરી અને ખુનામરકીની ફિલ્મો ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધારે છે, તો ગુંડાઓ અને ચોરોને હીરો ન બતાવતી ફિલ્મો વેબ સીરિઝ હોવી જોઈએ.

 

વાસ્તવિકતા દેખાડવાના અન્ય પાસા પણ છે. જરૂરી નથી કે નાયકને જ ખરાબ ચીતરી તેના દરેક કાર્યને યોગ્ય દર્શાવવું જોઈએ. આ બાબત જો સારી રીતે દર્શાવી હોય તો તે છે ફિલ્મ ફેંટમ. સરહદ પર સીઝ ફાયર ચાલી રહ્યું હોય છે દરમિયાન મિસકોમ્યુનિકેશનના કારણે કમાન્ડો પોતાની ટીમ સાથે ફાયરિંગ ચાલુ રાખે છે. જેના કારણે તેને ડ્યુટી પરથી બાતલ કરવામાં આવે છે. આ જ માણસ તાજ હોટલના આતંકવાદી હમલામાં મુખ્ય ઇસમોને એકેક કરી સજા આપે છે.

 

ધી ફેમિલી મેન. એક મધ્યમ વર્ગનો માણસ જે ભાડાના મકાનમાં રહે છે, તે દેશ અને વડાપ્રધાન માટે રોજ પોતાનો જાન હાથમાં લઈ ફરજ બજાવતો હોય છે. જેમ સિરીઝમાં બતાવે છે સીધા અને સાધારણ માણસોની જલ્દી કોઈ વેલ્યૂ નથી કરતું એવી જ રીતે મોટાભાગની જનતા તેમની આસપાસ રહેતા સાધારણ મનુષ્યોની કદર કરતાં હોતા નથી. ફિલ્મ હસીન દિલરુબામાં નાયિકા તેના સીધા સાદા પતિને ચાહી નથી શકતી અને અન્ય પુરુષ સાથે આડા સંબંધ બાંધે છે. જેનું દુખદ પરિણામ આવે છે.

 

ફિલ્મ છલાંગમાં પણ નાયિકાને એવો પુરુષ પસંદ પડે છે જે એક શિક્ષકની ભૂમિકા માટે અને એક યોગ્ય નાગરિક તરીકે પણ અયોગ્ય હોય છે. નાયિકાઓનો આ અપ્રોચ બીજી સ્ત્રીઓને પ્રેરિત કરે છે કે ખરાબ પસંદગી જ યોગ્ય પસંદગી છે.

 

કબીર સિંહ તેની ગર્લફ્રેંડને રસ્તા વચ્ચે લાફો મારી શકે છે. તેની ગર્લફ્રેંડનો વાંક શું? તેને સમજાવા માટે ઊભો રાખવાનો પ્રયત્ન કરવો. આ ફિલ્મ ઘણી કન્યાઓને પણ ગમી છે. પરિપક્વ સ્ત્રીઓ સાથે એક મૌખિક મોંજણી મેં જાતે કરી હતી. પૂછ્યું કે તમને વિવાહ ફિલ્મનો શાહિદ કપૂર ગમે કે કબીર સિંહ ફિલ્મનો શાહિદ કપૂર ગમે? ૫માંથી ૩ સ્ત્રીઓને કબીર સિંહ ફિલ્મ વાળો શાહિદ કપૂર ગમ્યો હતો. બાકીની ૨ સ્ત્રીઓ ફિલ્મમાં દેખાડવામાં આવેલી નકારતમાક બાબતોની નોંધ કરી હતી અને એક ફિલ્મની લોકો પર કેવી અસર થઈ શકે છે એ બાબત સારી પેઠે જાણતી હતી એવું એમણે જણાવેલા અભિપ્રાય પરથી મને લાગ્યું.

 

તો ખાલી ક્રિમિનલ ગેંગસ્ટર વાળી ફિલ્મોથી જ નહીં પરંતુ ટોક્ષિક રોમેન્ટીક ફિલ્મો દ્વારા પીરસવામાં આવતા તરંગી એઠવાડથી પણ આપણે શક્ય એટલું દૂર રહેવું જોઈએ. આવી ફિલ્મો-વેબ સીરીઝ એકથી વધારે ઉદ્દેશ્ય અને છુપા એજન્ડા ધરાવે છે, આવી ફિલ્મો મીઠું ઝેર છે.

 

તટસ્થ ફિલ્મ જોવી હોય તો તુમ્બાડ જોવો, મેન હુ ન્યૂ ઈન્ફિનીટી જોવો, બ્લડ ડાયમંડ, અસ્તિત્વ, શૌર્ય, લાઈફ ઇન મેટ્રો, દિવાર(૨૦૦૪), ડિપાર્ટમેન્ટ, આર્ટીકલ ૧૫ વગેરે. જેવી ઘણી ફિલ્મો છે. જેમાં નાયક અને ખલનાયક વચ્ચેનો ભેદ તાદ્રશ્ય કરી શકો છો.  આવી યોગ્ય અને મગજ પર સકારાત્મક અસર કરે તેવી ફિલ્મો-વેબ સિરીઝ વિશે વધુ વાત કરીશું આવતા લેખમાં.

 

-કીર્તિદેવ


Comments